ચેમ્બર તથા એસજીપીસી દ્વારા સંયુકતપણે ‘રૂફ ટોપ સોલાર’વિષે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ડો. ભરત પી. જૈને જણાવ્યું હતું કે, રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ પર્યાવરણ માટે સુરક્ષિત છે

Advertisement

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સીલના (SGPC) સંયુકત ઉપક્રમે શુક્રવાર, તા. પ મે, ર૦ર૩ ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘રૂફ ટોપ સોલાર’ (Roof Top Solar) વિષય ઉપર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કલીનર પ્રોડકશન સેન્ટરના મેમ્બર સેક્રેટરી ડો. ભરત પી. જૈને સૌર ઉર્જા (Solar Energy) વિષે જાણકારી આપી હતી.

ડો. ભરત પી. જૈને જણાવ્યું હતું કે, રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ પર્યાવરણ માટે સુરક્ષિત છે. કોલસો, પેટ્રોલિયમ પ્રોડકટ માટે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડે છે ત્યારે વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા માટે હવે સોલાર એનર્જી ખૂબ જ જરૂરી છે. સોલાર એનર્જીમાં રૂફ ટોપ સૌથી સારું છે. નવસારી પાસે ટેક્ષ્ટાઇલ પાર્ક આવશે ત્યારે રિન્યુએબલ એનર્જીમાં પણ ઘણું રોકાણ થશે. તેમણે સૌર ઉર્જા તેમજ ધોલેરાના ઔદ્યોગિક વિકાસ વિષે પણ માહિતી આપી હતી.

રેઝોન સોલાર કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, સોલાર પ્લાન્ટ એ પાવર જનરેટ કરે છે. રપ વર્ષ સુધી મકાન તથા ફેકટરીના છત પર સોલાર પ્લાન્ટ લગાવી શકાય છે. અહીં જે ઇલેકટ્રીસિટી જનરેટ થશે એ મફત રહેશે. સોલાર પ્લાન્ટમાં નોઇઝ પોલ્યુશન થતું નથી અને ધુમાડો પણ નીકળતો નથી. તેમણે સોલાર મોડયુલ, ઇન્વર્ટર, મોડયુલ માઉન્ટીંગ સ્ટ્રકચર વિષે માહિતી આપી હતી.

નીરવ સિન્હાએ ફાયનાન્સીયલ સર્વિસિસ વિષે માહિતી આપી હતી. ઉદ્યોગ સાહસિકો તેઓની ફેકટરીના છત પર સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા માટે કો–લેટરલ ફ્રી ફન્ડીંગ માટે પ્રયાસ કરતા હોય છે, આથી તેમની કંપની ગ્રાહકોનું ઇ વેલ્યુએશન કરી તેઓને ફાયનાન્સ પૂરુ પાડે છે તેમ જણાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સીલના પ્રમુખ ભદ્રેશ શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. એસજીપીસીના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ મયંક દલાલ તથા રેઝોન સોલાર કંપનીના ડિરેકટર દર્શિલ ગોંડલિયા હાજર રહયા હતા. નિષ્ણાંતોએ ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા. એસજીપીસીના ઉપ પ્રમુખ નીરવ રાણાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.

Advertisement