સુરતમાં પ્રથમ વાર બંદિવાનો દ્વારા રચિત ચિત્રોનું ચાર દિવસીય પ્રદર્શન ખુલ્લું મુકાયું
વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે લાજપોર મધ્યસ્થ જેલના બંદિવાનો દ્વારા રચિત ૧૩૦ ચિત્રોનું એક્ઝિબિશનને ખુલ્લું મુકતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
સુરત: બંદિવાનોના પુનઃસ્થાપન અને રોજગારી (Rehabilitation and employment of prisoners) પ્રવૃત્તિના ભાગરૂપે સુરત શહેરની અઠવાલાઈન્સ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી, ખાતે લાજપોર મધ્યસ્થ જેલ (Lajpore Central Jail) સુરતના (Surat) બંદિવાનો દ્વારા રચિત ચિત્રોના એક્ઝિબિશનને (Painting Exhibition) ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (Gujarat Home Minister Harsh Sanghavi) હસ્તે ખુલ્લુ મુકાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શન તા.૨૨ ઓગસ્ટ સુધી સવારે ૧૦:૦૦થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી નિહાળી તથા ખરીદી શકાશે.
આ પ્રસંગે મંત્રીશ્રી દર્શનાબેને જણાવ્યું હતું કે, ભૂલ સ્વીકાર અને ભૂલ સુધાર એ માનવ જીવન ને નવી ઊર્જા અને દિશા આપે છે. આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે. કલાક્ષેત્રમાં આગળ વધીને પ્રવૃતિમય જીવનમાં રંગો ભરી શકાય છે. નવા ભારતના નિર્માણ માટે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉચ્ચ સંકલ્પો લેવામાં આવે તે જરૂરી છે. વિશ્વકર્મા એટલે જેના હાથમાં કળા હોય, કારીગરોમાં છુપાયેલી કળાને ઉજાગર કરવા અને કલાકારોને રોજગારીની નવી તકો મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના આગામી સમયમાં અમલી થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગૃહરાજ્યમંત્રીએ સુરતીઓને આહ્વવાન કરતા કહ્યું હતું કે, અંગ્રેજોના સમયમાં કેદીઓને પ્રિઝનર્સ કહેવાતા, આજે તેઓના વ્યક્તિત્વને સુધારવા માટે બંદિવાન તરીકે સંબોધવામાં આવે છે. જેલમાં હંમેશા બે પ્રકારના લોકો આવતા હોય છે. એક રીઢા ગુનેગાર હોય કે જેની માનસિકતામાં ગુના સિવાય બીજો કોઈ વિષય હોતો નથી અને બીજા એવા વ્યક્તિ કે જે આક્રોશ કે ગુસ્સામાં ગુનો કરી બેસતા હોય છે. જેલમાં બંદિવાનો સાથે સારુ વર્તન થાય, તેમની માનસિકતામાં પરિવર્તન આવે તેમજ જેલમાંથી મુકત થયા બાદ સભ્ય સમાજનો હિસ્સો બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંદિવાનો પણ સારા લેખક, ઉત્તમ ચિત્રકાર અને પારંગત રસોઈયા હોય છે. જેલમાં સંગીતના માધ્યમ દ્વારા વ્યક્તિની માનસિકતા બદલાવવા માટેના અનોખા પ્રયાસ થઈ રહ્યા છે. જેલના બે બંદિવાનોની ચિત્રકલાની રૂચિના પરિણામે ૫૩ બંદિવાનોના જીવન પરિવર્તન કરવાનો ભગીરથ પ્રયત્ન થયો છે જે અભિનંદનપાત્ર હોવાનું તેમણે કહ્યું હતું.
લાજપોર જેલની ટીમને અભિનંદન પાઠવતા ગૃહરાજ્યમંત્રીએ જેલની લાઈબ્રેરીમાં બંદિવાનો પુસ્તકો વાંચતા થયા છે એમ જણાવી સારા પુસ્તકોના વાંચન દ્વારા જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાની શીખ આપી હતી.
સુરતવાસીઓ સમાજ સેવામાં દેશમાં હંમેશા અવ્વલ રહે છે. દેશ-વિદેશના વિખ્યાત પેઈન્ટરોના ચિત્રો કરતા પણ સુરતના બંદિવાનો દ્વારા તૈયાર કરાયેલા પેન્ટિગ વધુ યુનિક છે. જેમાં તેઓના આત્મવિચાર અંકિત કરવામાં આવ્યા હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.
આ અવસરે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે રશિયાના બંદિવાન રૂબલનું દ્રષ્ટાંત આપતા કહ્યું કે, શબ્દો જે ન કરી શકે તેવી ભાવના ચિત્રો વ્યકત કરી શકે છે. જ્યાં શબ્દો નથી પહોંચી શકતા ત્યાં કલમ, રંગ અને કૃતિ દ્વારા બંદિવાનો પોતાની ભાવના વ્યકત કરે છે. સારી પ્રવૃતિઓને હંમેશા સમાજ પ્રોત્સાહન આપતો હોય છે જેથી વધુમાં વધુ શહેરીજનોને ચિત્રો ખરીદવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે લાજપોર મધ્યસ્થ જેલના અધિક્ષક શ્રી જે.એન.દેસાઈએ જણાવ્યું હતું કે, સ્કીલ ડેવલપમેન્ટ દ્રારા બંદિવાનો રોજગારી મેળવી શકે તે માટે ભગીરથ પ્રયત્નો કરવામાં આવે છે. ૧૩૦ જેટલા ચિત્રોના વેચાણ થકી થતી આવકના ૫૦ ટકા રકમ કેદી વેલફેર ફંડમાં તથા ૫૦ ટકા રકમ બંદિવાનોના ખાતામાં જમા કરવામાં આવશે. આ પ્રવૃતિઓથી બંદિવાનોને નવી ઉર્જા મળશે. લાજપોર જેલ પ્રશાસન દ્વારા આત્મિયતા કેળવી તેમની ચિત્રકલાને બિરદાવવા એક પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. જેલની લાયબ્રેરીમાં ૧૮થી વધુ પુસ્તકો અને એક હજારથી વધુ સામયિકો છે. જે પહેલા મહિને ૭૦૦ જેટલા પુસ્તકો ઈસ્યુ થતા હતા તે આજે વધીને ૨૪૦૦ જેટલા પુસ્તકો ઈસ્યુ થાય છે.
આ અવસરે જેલ પ્રશાસન દ્વારા થતી અનેક પ્રવૃતિઓની કામગીરી સંલગ્ન ફિલ્મ સૌએ નિહાળી હતી.
આ પ્રસંગે મેયર હેમાલીબેન બોઘાવાલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, અધિક પોલીસ મહાનિદેશક જેલ અમદાવાદ ડો.કે.એલ.રાવ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, મઘ્યસ્થ જેલના પોલીસ જવાનો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.