ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યુએઇ અને શ્રીલંકાના ઓફિશિયલ્સ સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાયું

શ્રીલંકાના શિરાની અરિયારાથને અને યુએઇના તરૂણ શર્માએ સુરતના ઉદ્યોગકારોને તેમને ત્યાં બિઝનેસ સ્થાપવા અનુરોધ કર્યો, સાથે જ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત દ્વિપક્ષીય વ્યાપાર વધારવા સહમતિ દર્શાવી

Advertisement

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના (SGCCI) ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત શુક્રવાર, તા. ૪ ઓગષ્ટ ર૦ર૩ના રોજ બપોરે રઃ૩૦ કલાકે સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સુરત (Surat) ખાતે શિરાની અરિયારાથને (Minister (Commercial) Deputy High Commission, Sri Lanka, Mumbai, India) અને તરૂણ શર્મા (Indian Subcontinent Officer, Govt. of Umm AI Quwain, Free Trade Zone Authority, UAE) સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ બંને દેશોના ઓફિશિયલ્સ દ્વારા ઉદ્યોગકારો સાથે દ્વિપક્ષીય વેપારને વધુ સારી રીતે વધારવાની દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ (SGCCI President Ramesh Vaghasia)  જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત ચેમ્બરનો પ્રયાસ દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત બનાવવાના હેતુથી સુરત સહિત દક્ષિણ ગુજરાત, ગુજરાત રિજીયન અને દેશભરમાંથી એક્ષ્પોર્ટને વધારવાની દિશામાં પ્રયાસ કરવાનો છે. SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટના ભાગ રૂપે સુરતના ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગ સાહસિકો કે જેઓ યુએઇ અને શ્રીલંકા ખાતે વિવિધ પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવાની ઇચ્છા ધરાવે છે તેઓને આ સેશનમાં યુએઇ અને શ્રીલંકાના ઓફિશિયલ્સ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરતના ઉદ્યોગ સાહસિકોને આ બંને દેશોમાં વેપાર – ઉદ્યોગની રહેલી તકો વિષે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ દેશોમાં ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ માટે નડતી સમસ્યાઓના નિરાકરણ માટે પણ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું.

શ્રીલંકાના શિરાની અરિયારાથનેએ જણાવ્યું હતું કે, શ્રીલંકામાં એપેરલ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ છે, આથી તેમણે સુરતના ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગ સાહસિકોને ત્યાં એપેરલ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શ્રીલંકાએ ભારતની સાથે ઘણા ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. વધુમાં તેમણે વર્ષ ર૦રરમાં એપેરલ એક્ષ્પોર્ટ માર્કેટ વિષે પણ વિસ્તૃત માહિતી આપી સુરતના ઉદ્યોગ સાહસિકો શ્રીલંકામાં ગારમેન્ટ ફેકટરીઓ નાંખી શકે તેમ જણાવ્યું હતું.

યુએઇના તરૂણ શર્માએ જણાવ્યું હતું કે, યુએઈમાં ભારતીય કંપનીઓ માટે રોકાણની વિવિધ તકો અને મુક્ત વેપાર ક્ષેત્રમાં વ્યવસાય કેવી રીતે સ્થાપિત કરવો અને કેવી રીતે બિઝનેસ મેળવવો? તે અંગે પ્રકાશ પાડયો હતો. UAQ FTZનું લાઇસન્સ, જે સમગ્ર વિશ્વમાં માલસામાન અને સેવાઓ માટેનું ગેટવે છે ત્યારે UAQ FTZમાં બિઝનેસ સ્થાપવા વિષે તેમણે માહિતી આપી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, UAQ ફ્રી ટ્રેડ ઝોન (UAQ FTZ)એ યુએઇમાં એક સમૃદ્ધ ઔદ્યોગિક હબ છે, જે વ્યવસાયો માટે સુરક્ષિત અને સમૃદ્ધ વાતાવરણ પૂરું પાડે છે. તમામ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ, SME અને સંગઠનો માટે આદર્શ, UAQ FTZ અસરકારક રોકાણ માટે આકર્ષક સુવિધાઓ પ્રદાન કરે છે. કોઈ કોર્પોરેટ ટેકસ વિના ૧૦૦ ટકા કંપનીની માલિકી, વિદેશી પેઢીઓ, વેરહાઉસ અને અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવે છે. કરવેરા પ્રોત્સાહનો, ઓછા ખર્ચે સ્ટાર્ટઅપ વિકલ્પો અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે તેઓ યુએઇમાં બિઝનેસની તકો પૂરી પાડે છે.

આ ઇન્ટરેકટીવ સેશનમાં ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, ગૃપ ચેરમેન સંજય પંજાબી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્‌ મંત્રી પ્રશાંત પટેલ તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.

Advertisement