SGCCI પ્રમુખ રમેશ વઘાસિયાએ ભારતમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે સાંસદોને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪માં સામેલ થવા અનુરોધ કર્યો

કેન્દ્રિય મંત્રીઓ તેમજ સાંસદોને ચેમ્બરની મુલાકાત માટે આમંત્રણ આપ્યું, લોક સભા અને રાજ્ય સભાની કાર્યવાહી નિહાળી તેની કામગીરી વિષે વિસ્તૃત માહિતી મેળવી

Advertisement

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના (SGCCI)  પ્રમુખ રમેશ વઘાસિયાની (Ramesh Vaghasia) અધ્યક્ષતા હેઠળ માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર તથા અન્ય સભ્યો સહિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે તા. ૭ અને ૮ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ નવી દિલ્હી (New Delhi) ખાતે સંસદ ભવનની (Parliament) મુલાકાત લીધી હતી. ચેમ્બરના પ્રતિનિધિ મંડળે લોક સભા અને રાજ્ય સભાની પણ મુલાકાત લઇ લોક સભા અને રાજ્ય સભામાં ચાલતી કાર્યવાહી નિહાળી તેની કામગીરી વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી.

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે સંસદ ભવનમાં ભારત સરકારના કેન્દ્રિય વસ્ત્ર મંત્રી પીયુષ ગોયલ, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ અને હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ભારતના કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરષોત્તમભાઇ રૂપાલા, કેન્દ્રિય કોમ્યુનિકેશન્સ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ નવસારીના સાંસદ સી.આર. પાટીલની મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત ચેમ્બરના પ્રતિનિધિ મંડળે લોક સભા તેમજ રાજ્ય સભાના વિવિધ સાંસદ સભ્યો જેવા કે રામભાઇ મોકરીયા, કેસરી સિંહ ઝાલા, બાબુભાઇ પટેલ, બારડોલીના સાંસદ પ્રરભુભાઇ વસાવા, દિવ દમણ અને દાદરા નગર હવેલીના સાંસદ લાલુભાઇ પટેલ, રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા, વલસાડના સાંસદ ડો. કે.સી. પટેલ, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, અમદાવાદના સાંસદ ડો. કિરીટ સોલંકી, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ભાવનગરના સાંસદ ડો. ભારતી શિયાળ, ગાઝીયાબાદના સાંસદ ડો. અનિલ અગ્રવાલ, કર્ણાટકના સાંસદ એસ. મુન્નીસ્વામી કોલ્લાર અને રાજસ્થાન સિકરના સાંસદ સુમેધાનંદ સરસ્વતિની મુલાકાત લીધી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ કેન્દ્રિય મંત્રીઓ તેમજ સંસદ સભ્યોને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત માટે તેમજ ચેમ્બર દ્વારા આયોજિત વ્યાપાર – ઉદ્યોગ સંબંધિત કાર્યક્રમોમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું, જેનો કેન્દ્રિય મંત્રીઓ તેમજ સંસદ સભ્યોએ સહર્ષ સ્વીકાર કર્યો હતો અને ચેમ્બરની મુલાકાત લેવાની ખાતરી આપી હતી.

ચેમ્બર પ્રમુખે સાંસદોને ચેમ્બર ઓફ કોમર્સની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા હેતુ યોજાતા એકઝીબીશનો, રાજ્ય અને કેન્દ્રિય કક્ષાએ કરવામાં આવતી રજૂઆતો, ઉદ્યોગ સાહસિકોને અદ્યતન ટેકનોલોજી તેમજ ગ્લોબલ ટ્રેન્ડ વિષે જાણકારી મળી રહે તે હેતુ યોજાતા સેમિનારો, કોન્કલેવ અને ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

વધુમાં તેમણે સુરત સહિત ગુજરાત રિજીયોન તેમજ એકંદરે ભારતમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે ચેમ્બર દ્વારા હાથ ધરાયેલા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટની વિગતવાર જાણકારી આપી હતી અને તેમાં જોડાવવા માટે તેઓને અનુરોધ કર્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયેલા અનુરોધને પગલે રાજ્ય સભાના કર્ણાટકાના સાંસદ એસ. મુન્નીસ્વામી કોલ્લારે ચેમ્બરના પ્રતિનિધિઓને કર્ણાટક ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવવા માટે આમંત્રણ આપ્યું હતું અને સ્થાનિક ઉદ્યોગકારો સાથે મિટીંગ ગોઠવી તેઓને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪માં સામેલ કરવા અનુરોધ કરીશું તેમ જણાવ્યું હતું.

Advertisement