પોલિએસ્ટરના ભાવવધારા વચ્ચે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નવો પડકાર
સુરત: પોલિએસ્ટરના (polyester) ભાવમાં માત્ર અઢી મહિનામાં પ્રતિ કિલો ₹26.50નો વધારો દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ (south gujarat textile industry) માટે મોટો ખર્ચનો પડકાર બની રહ્યો છે. જુલાઈથી...
સુરત: પોલિએસ્ટરના (polyester) ભાવમાં માત્ર અઢી મહિનામાં પ્રતિ કિલો ₹26.50નો વધારો દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ (south gujarat textile industry) માટે મોટો ખર્ચનો પડકાર બની રહ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બર 2026 દરમિયાન PSFના ભાવમાં સતત વધારો નોંધાતા ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોના વર્કિંગ કેપિટલ અને નફાના માર્જિન પર દબાણ વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આંકડા મુજબ જુલાઈમાં ₹8.50, ઓગસ્ટમાં ₹4 અને સપ્ટેમ્બરમાં 11 સપ્ટેમ્બર સુધી ₹14 પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે.
મંત્રના (MANTRA) ડિરેક્ટર ડૉ. પંકજ ગાંધીના મતે, “આવી સતત ભાવવધઘટને માત્ર ભાવવધારાની સમસ્યા તરીકે જોવાને બદલે ઉદ્યોગ માટે વૈવિધ્યીકરણ અને મૂલ્યવર્ધન તરફ આગળ વધવાનો સંકેત માનવો જોઈએ.”
સુરતના (Surat) હજારો વિવર્સ અને પ્રોસેસિંગ એકમો ઓછા માર્જિન અને મોટા વોલ્યુમના મોડલ પર કામ કરે છે. આવા એકમો માટે કાચા માલના ભાવમાં દરેક વધારો સીધી રીતે ઉત્પાદન ખર્ચને અસર કરે છે. એકમ મહિને એક લાખ કિલો ફાઇબર અથવા યાર્ન વાપરે તો ₹26.50ના વધારાથી માસિક કાચા માલનો ખર્ચ આશરે ₹26.50 લાખ વધી શકે છે.
ડૉ. ગાંધીના જણાવ્યા મુજબ પોલિએસ્ટરને છોડવાનો પ્રશ્ન નથી, પરંતુ વિસ્કોઝ, મોડલ, લ્યોસેલ, રિસાયકલ્ડ અને બાયો-બેઝ્ડ ફાઇબર્સ જેવા વિકલ્પો તરફ ક્ષમતા વધારવાની જરૂર છે.
તેમણે કહ્યું, “સુરતે હવે માત્ર વધુ ફેબ્રિક બનાવવાથી આગળ વધીને વધુ મૂલ્ય ધરાવતું ફેબ્રિક બનાવવું પડશે.”
ઉદ્યોગ માટે યાર્ન બેન્ક, સહકારી ખરીદી, ટેકનિકલ ટેક્સટાઇલ, વેલ્યુ-એડેડ ફેબ્રિક અને નિકાસ આધારિત ઉત્પાદનોને વિકસાવવાના સૂચનો પણ મૂકવામાં આવ્યા છે.




