પીએમના મનની વાત ના સાંભળો તો 50 રૂપિયા દંડ ભરવો પડે? એમએસ યુનિવર્સિટીમાં બન્યું કઈક આવું

પ્રાથમિક માહિતી અનુસાર, વડોદરાની એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી 14 જેટલી હોસ્ટેલમાં ગત રવિવારે પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100માં એપિસોડનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, જે સાંભળવા માટે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી હતી

Advertisement

વડોદરા : વડોદરાની એમએસ યુનિવર્સિટી (MS University) અવાર-નવાર અલગ અલગ મુદ્દાઓને લઈને વિવાદમાં રહે છે, ત્યારે હવે નવો એક વિવાદ એમએસ યુનિવર્સિટીમાંથી સામે આવ્યો છે. ગત રવિવારે પીએમ મોદીના ‘મન કી બાત’ (PM Mann ki Baat) કાર્યક્રમનો 100મો એપિસોડ હતો, જે સાંભળવા માટે એમએસ યુનિવર્સિટીમાં બધા વિદ્યાર્થીઓને હોલમાં એકત્રિત કરવામાં આવ્યા હતા. હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે કેટલીક વિદ્યાર્થિનીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો, તેમની પાસેથી હવે 50-50 રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, વડોદરાની એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી 14 જેટલી હોસ્ટેલમાં ગત રવિવારે પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100માં એપિસોડનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, જે સાંભળવા માટે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન કેમ્પસમાં આવેલા કે. જી. હોલમાં પણ મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલીક વિદ્યાર્થિનીઓ હાજર રહી શકી ન હતી. હવે સત્તાધીશોએ દ્વારા તેમની પાસેથી હાજર ન રહેવા બદલ 50-50 રૂપિયા દંડ વસૂલવામાં આવી રહ્યો છે, તેવો આ વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે.

વિદ્યાર્થિનીઓ જણાવે છે કે, “ગત રવિવારે મન કી બાત કાર્યક્રમ સાંભળવા માટે જવાનું હતું, પરંતુ પરીક્ષા હોવાને કારણે રાત્રે મોડા સુધી અભ્યાસ કર્યો હોવાથી સવારે ઉઠી શકયું ન હતું.” કેટલીક વિદ્યાર્થિનીઓએ આ 50 રૂપિયાનો દંડ ભરી દીધો હતો, બાદમાં જ્યારે દંડની રિસીપ્ટ માગી ત્યારે વિવાદ થતાં સત્તાધીશોએ દંડની રકમ પરત કરી હતી.

આ ઘટના અંગે કે. જી. હોલના વોર્ડન વાત કરતાં કહે છે કે, “આ સમગ્ર વાત ઉપજાવી કાઢવામાં આવી છે. આવી કોઈ ઘટના ઘટી નથી અને કોઇની પાસે દંડ ઉઘરાવવામાં આવ્યો નથી.” આ અંગે વાત કરવા માટે નવજીવન ન્યૂઝ દ્વારા એમએસ યુનિવર્સિટીના કુલપતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કૉલનો કોઈ જવાબ આપ્યો ન હતો.

(સૌજન્ય નવજીવન ન્યૂઝ)

Advertisement