ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તિરૂપુરના ટેક્ષ્ટાઇલ સ્ટેક હોલ્ડર્સ ડેલિગેશન સાથે ઇન્ટરેકટીવ મિટીંગ યોજાઇ
તિરૂપુરના ડેલીગેશને પ્રોસેસિંગ હાઉસની વિઝીટ કરી સુરતના ઉદ્યોગકારો પાસેથી પોલિએસ્ટર કાપડ બનાવવા માટે ખર્ચ ઘટાડવા અંગેની પ્રક્રિયાની જાણકારી મેળવી
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા શુક્રવાર, તા. ૧૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે ૭:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત (Surat) ખાતે તિરૂપુરથી (Tirupur) સુરત આવેલા ડાયર્સ એસોસીએશનના ટેક્ષ્ટાઇલ સ્ટેક હોલ્ડર્સ ડેલીગેશન સાથે ઇન્ટરેકટીવ મિટીંગનું (interactive meeting) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તિરૂપુરના ડેલીગેશને (Tirupur delegation in Surat) સુરતમાં પોલિએસ્ટર કાપડ બનાવવા માટે ખર્ચ ઘટાડવા વિષે સમગ્ર પ્રક્રિયાની જાણકારી મેળવી હતી.
તિરૂપુરના ડાયર્સ એસોસીએશનના (Tirupur Dyers Association) પ્રમુખ અતુલ પી. ગાંધીરાજને મિટીંગને સંબોધતા જણાવ્યું હતું કે, તિરૂપુરથી દર વર્ષે ટેક્ષ્ટાઇલનું રૂપિયા ૩પ૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ થાય છે. અન્ય દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા બાદ આ એક્ષ્પોર્ટ ત્રણ ગણું વધી જશે. જો કે, તેમના ત્યાં તિરૂપુરમાં પોલિએસ્ટર કાપડ બનાવવા માટે સુરત કરતા વધારે ખર્ચ લાગે છે, આથી તેઓ સુરતમાં પોલિએસ્ટર કાપડ બનાવવાની પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે આવ્યા હતા.
તિરૂપુરના ડેલીગેશને સુરતમાં પ્રોસેસિંગ હાઉસની મુલાકાત લઇ પોલિએસ્ટર કાપડ બનાવવાની સમગ્ર પ્રક્રિયા વિષે માહિતી મેળવી હતી. ખાસ કરીને પોલિએસ્ટર કાપડ બનાવવા ખર્ચ કઇ રીતે ઘટી શકે તેની જાણકારી તેઓએ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો પાસેથી મેળવી હતી. આ મિટીંગમાં પણ તેઓને સુરતના ઉદ્યોગકારોએ ઘણી જાણકારી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ મિટીંગમાં તિરૂપુરના ડેલીગેશનને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મરે મિટીંગની રૂપરેખા આપી હતી. ગૃપ ચેરમેન ભાવેશ ટેલરે સમગ્ર મિટીંગનું સંચાલન કર્યું હતું.
ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી, ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલ, તિરૂપુરના ડાયર્સ એસોસીએશનના પ્રમુખ અતુલ પી. ગાંધીરાજન, સુરેશ વિભાકર, સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારીયા, કલરટેક્ષ ઇન્ડિયા લિમિટેડના વિસાદ જરીવાલા તથા અન્ય ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.