SVPI એરપોર્ટની ઉંચી ઉડાન: એક જ મહિનામાં 1 મિલિયન મુસાફરોનું આવાગમન
અત્યાધુનિક સુવિધા સંપન્ન એરપોર્ટ લાખો લોકોનું લોકપ્રિય!
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોના આવાગમનમાં ઉત્તરોત્તર ઉંચી ઉડાન ભરી રહ્યું છે. ચાલુ વર્ષે SVPI એરપોર્ટે માત્ર એક જ મહિનામાં એક મિલીયનથી વધુ મુસાફરોને ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડી છે. સતત વધતી મુસાફરોની સંખ્યાને સમાવવા ટર્મિનલ બિલ્ડીંગનું વ્યાપક વિસ્તરણ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત નાણાંકીય વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી 10 મિલિયનથી વધુ લોકોએ મુસાફરી કરી હતી.
SVPI એરપોર્ટ વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને પહોંચી વળવા સતત સેવાઓ, સલામતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા પ્રતિબદ્ધ છે. ઉન્નત એર કનેક્ટિવિટી અને બહેતર સેવાઓ સાથે SVPI એરપોર્ટ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે.
તાજેતરમાં SVPI એરપોર્ટે ડોમેસ્ટિક ટર્મિનલમાં સિક્યોરિટી ચેક વિસ્તારમાં વધારો કર્યો છે. ડોમેસ્ટિક ટર્મિનલ બહાર નવો કન્ટેનર રિટેલ વિસ્તાર અને ડ્રોપ-ઓફ લેન કરતા મુસાફરોની ક્ષમતા અને સગવડમાં વધારો થયો છે. ડોમેસ્ટિક ટર્મિનલમાં લેવલ 1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયા (SHA)માં વધારો થવાથી મુસાફરોને 1800 SQM કરતાં વધુ મોકળાશની જગ્યા મળશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારાની સાથે મુસાફરોને ત્વરિત અને સીમલેસ પ્રોસેસિંગનો અનુભવ મળી રહે તે માટે ડોમેસ્ટિક પ્રસ્થાનમાં સાત ઈ-ગેટ લગાવવામાં આવ્યા છે. ફક્ત હેન્ડબેગ સાથે મુસાફરી કરતા મુસાફરો પણ વેબ ચેક-ઇન કરાવી શકે છે, બોર્ડિંગ પાસ મેળવવા તેઓ પ્રસ્થાન સમયને બચાવવા સેલ્ફ-ચેક-ઇન મશીનોનો ઉપયોગ પણ કરી શકે છે.
દેશના તમામ લોકપ્રિય સ્થળો અમદાવાદ એરપોર્ટ સાથે જોડવા એરલાઇન્સ ડાયરેક્ટ કે વાયા ફ્લાઇટસ ઉમેરી નવા સ્થળો ઉમેરતી રહે છે. જેના કારણે SVPI એરપોર્ટે અનેક નવા ગંતવ્ય સ્થાનો સાથે જોડાયુ વળી હૈદરાબાદ, ઇન્દોર, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ અને લખનૌનો જેવા મહાનગરોની ફ્લાઈટ્સમાં વધારો કરવામાં આવ્યો છે. તો નાસિક અને પંતનગર વાયા જયપુર જેવા શહેરોના ઉમેરવાની સાથે ફ્રિક્વન્સીમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ઉનાળુ સમયપત્રકના અમલીકરણ બાદ SVPI એરપોર્ટ નવ સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ સાથે 39 ડોમેસ્ટિક અને 19 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડશે.