ભારતના કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા સાથે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની વિસ્તૃત ચર્ચા કરાઇ

SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટને ભારત સરકાર તરફથી સંપૂર્ણ સહકાર મળી રહે તે માટે તેમના તરફથી બનતા તમામ પ્રયાસ કરવાની કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ ખાતરી આપી

Advertisement

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના (SGCCI) પ્રમુખ રમેશ વઘાસિયાની અધ્યક્ષતા હેઠળ માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર તથા અન્ય સભ્યો સહિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે તા. ૮ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ નવી દિલ્હી ખાતે ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ અને હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે મુલાકાત કરી હતી. કેન્દ્રિય મંત્રી સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ (SGCCI Global Connect Mission 84)  પ્રોજેકટની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત કરવા હેતુ ભારતમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે આ પ્રોજેકટના મહત્વ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ (Ramesh Vaghasia) જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત સુરત સહિત ગુજરાત રિજીયોનમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે પ્રયાસ કરાઇ રહયો છે. એના માટે ચેમ્બર ઓફ કોમર્સ ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવા જઇ રહી છે, જેની સાથે ગુજરાતના ૮૪૦૦૦ ઉદ્યોગ સાહસિકો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪૦૦૦ ભારતીય ઉદ્યોગ સાહસિકોને ઓનબોર્ડ કરવાનો પ્રયાસ થઇ રહયો છે.

આ ઉપરાંત ભારતની ૮૪ જેટલી ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને એક પ્લેટફોર્મ ઉપર લાવી ઉદ્યોગકારોની સાથે ઇન્ટરેકટીવ સેશનોનું આયોજન કરાઇ રહયું છે. એવી જ રીતે ભારતના ૮૪ દેશોમાં કોન્સુલ જનરલને તેમજ ૮૪ દેશોના ભારત સ્થિત કોન્સુલ જનરલને જોડી તેઓના દેશો સાથે વ્યાપાર માટે જે કાયદા અને નિયમો છે તેના વિષે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહયો હોવાનું કેન્દ્રિય મંત્રીને જણાવવામાં આવ્યું હતું.

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટને ખૂબ જ શાંતિથી સાંભળ્યો હતો અને ચેમ્બર પ્રમુખને વિવિધ પ્રશ્નોત્તરી કરી તેના વિષે ઝીણવટભરી માહિતી મેળવી હતી. તેમણે આ પ્રોજેકટને ભારત સરકાર તરફથી સંપૂર્ણ સહકાર મળી રહે તે માટે તેમના તરફથી બનતા તમામ પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.

આ ઉપરાંત કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ દક્ષિણ ગુજરાતમાં તેમના વિભાગના ધંધા – ઉદ્યોગના પ્રશ્નોને ઉકેલવામાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

Advertisement