સચિન જીઆઇડીસી ના રોડ નંબર 5 ની અવ દશા માટે શાસકો અને અધિકારીઓ જવાબદાર

સ્માર્ટ જીઆઈડીસીની બૂમરાણ વચ્ચે, મેન્યુઅલ જીઆઈડીસીની પણ ઈજ્જત-આબરૂંનો પ્રશ્ન ઉઠી રહ્યો છે

Advertisement

સુરત : સચિન જીઆઈડીસીમાં આવેલાં રોડ નં.5ને હાલમાં થોડા સમય અગાઉ જ બનાવવામાં આવ્યો હતો. આ રોડ બનાવ્યાંને થોડાં સમયમાં જ ડાયંમડ તરફ જવા માટેની ચોકડી ઉપર મોટો ખાડો પડી ગયો છે. રોડ પણ ફાટી ગયો છે. જેને લઈને વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યાં છે.

સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામીએ આક્ષેપો મૂકતાં જણાવ્યું હતું કે રોડ બનાવતી વેળાએ તેની ગુણવત્તા અને ટેન્ડરીંગ મુજબનું કામ કરાયું નથી. રોડ નં.5 ઉપર ડામર સપાટી બનાવાઈ હતી તે ગરમીમાં પીગળી રહી છે તેથી અહીં કરાયેલાં વિકાસના કામોમાં ક્યાંક ને ક્યાંક ગોબાચારી થઈ હોય તેવું માની શકાય છે.

શાસકો અને અધિકારી તથા કર્મચારીઓ તદ્દન મૂકપ્રેક્ષકો બની ગયાં છે અને ટેન્ડર મુજબનું કામ થઈ રહ્યું છે કે નહીં તે પણ તપાસ નથી કરતાં જેને કારણે રોડ નં.5ની અવદશા ઉભી થઈ છે. ચોક્કસ ગુણવત્તા સાથે કામો નહીં થતાં હોવાને કારણે સરવાળે સમય પહેલાં જ રોડ ખરાબ થઈને તુટીને કાંકરા થઈ જાય છે.

રોડના સાઈડ સોલ્ડર્સ પણ બનાવાયાં નથી જેને કારણે રોડ પણ સાઈડમાંથી તુટી રહ્યો છે. નિલેશ ગામીએ ભારપૂર્વક ઉમેર્યુ હતું કે હાલના શાસકો સીન-સપાટા કરવા માટે વિકાસના કામો મુદ્દે ફોટોગ્રાફી કરાવી તેને સોશીયલ મિડીયામાં વાયરલ કરી પોતે વિકાસના કામો કરી સ્માર્ટ જીઆઈડીસી બનાવવાના પ્રયાસો કરી રહ્યાં હોવાનું આભાષી ચિત્ર ઊભું કરી રહ્યાં છે.

સોશીયલ મિડીયામાં પણ તેમના જ મળતીયાઓ વાહ-વાહી કરે છે બાકી જાગૃત ઉદ્યોગકારો ચોક્કસ રીતે સમજી ગયાં છે કે શાસકપક્ષ જીઆઈડીસીનો નહીં પરંતુ પોતાનો વિકાસ કરવામાં પુરેપુરું ધ્યાન આપી રહ્યાં છે અને તેમાં અધિકારીઓ ગાંધારીની ભૂમિકા ભજવી રહ્યાં છે.

Advertisement