77માં સ્વાતંત્ર્ય પર્વે અદાણી વિદ્યામંદિર દેશભક્તિના રંગમાં રંગાયુ!       

આઝાદીના અમૃતકાળમાં વેદના, સંવેદના અને સમર્પણનો ‘ત્રિવેણી સંગમ’

Advertisement

અમદાવાદ (Ahmedabad) સ્થિત અદાણી વિદ્યામંદિર (Adani Vidyamandir) 77માં સ્વાતંત્ર્ય પર્વ (77th Independence Day) નિમિત્તે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું! ધ્વજવંદન સહિત વિદ્યાર્થીઓની અલગ-અલગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ આઝાદીના અમૃતકાળને તાદૃશ કરી દીધો. વળી વૃદ્ધાશ્રમ અને મનોદિવ્યાંગ બાળકોની મુલાકાતે તેમનામાં સંવેદનાના પુષ્પો પ્રગટાવ્યા હતા. આ પ્રસંગે ગત વર્ષે બોર્ડના પરિણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ધોરણ 10 અને 12ના ટોપ-3 તેજસ્વી તારલાઓને નવાજવામાં આવ્યા હતા.

15મી ઓગસ્ટે AVMA કેમ્પસનો ખૂણેખૂણો દેશભક્તિના જોશથી ગુંજતો હતો. મુખ્ય અતિથી અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર અને નેચરલ રિસોર્સિસના CEO ડૉ. વિનય પ્રકાશના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેઓ AVM દ્વારા ચલાવવામાં આવતી ચેન્જમેકર્સ #ChangeMakers શ્રેણીના વક્તા પણ હતા. પ્રેરણાદાયી પ્રવચનમાં પ્રકાશે કારકિર્દી ઘડતરના ગુરૂમંત્રો આપી વિદ્યાર્થીઓમાં ઉત્સાહવર્ધન કર્યુ હતું. અદાણી વિદ્યામંદિર સાચા અર્થમાં વિદ્યાના મંદિર સમાન નજરે ચઢ્યું.

સ્વાતંત્ર્ય પર્વે હિમાચલ પ્રદેશના પૂરની દુર્ઘટના અને ઓડિશા ટ્રેન અકસ્માતના મૃતકો તેમજ શહીદોના સન્માનમાં મૌન શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિથી તરબોળ અનેકવિધ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમની ખાસ વાત તો એ હતી કે ભૂલકાઓએ ગાંધીબાપુ અને નહેરૂચાચાના અભિનય સહિત મંચ સંચાલનનું સુકાન પણ સંભાળ્યું હતું. એટલું જ નહીં, ઓર્કેસ્ટ્રાનું વાદ્ય સંગીત અને ગાયનની પ્રસ્તુતિથી સૌના મન મોહી લીધા હતા.

બાળકોમાં ઉચ્ચ સંસ્કાર સિંચન માટે અદાણી વિદ્યામંદિર અવિરત પ્રયત્નશીલ છે. ધ્વજવંદન બાદ બાળકોને જીવનધારા વૃદ્ધાશ્રમ અને ચિન્મય સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની ખાસ મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. વૃદ્ધોના એકાંતને વિદ્યાર્થીઓએ નૃત્ય-સંગીતની અનોખા અંદાજમાં પ્રસ્તુતિથી મનોરંજનથી ભરી દીધું હતું. તેમણે દાદા-દાદીઓ સાથે વાત્સલ્યભાવે વાતચીત કરી એક પરિવારની અનુભૂતિ કરાવી હતી. વળી વિદ્યાર્થિનીઓએ તો દાદીઓના હાથે મહેંદી મૂકીને યુવાવસ્થાની યાદો જીવંત કરાવી હતી.

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ચિન્મય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોની ખાસ મુલાકાત લઈ તેમને પણ સમાજની મુખ્યધારાનો અનુભવ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓએ વૃદ્ધો અને મનોદિવ્યાંગોની વેદના સાથે સંવેદના વ્યક્ત કરી હતી. અદાણી વિદ્યામંદિર ઉજ્વળ ભારતના ભાવિ એવા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત છે.

Advertisement