સરસાણા ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સહયોગથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘એન્વાયર્નમેન્ટ કોન્કલેવ’ યોજાઈ

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વિશ્વકક્ષાએ સુરતને નામના અપાવનાર ‘એમિશન ટ્રેડિંગ સ્કીમ પ્રોજેક્ટ’ સુરતની આગવી ઓળખ છે

Advertisement

સુરત: વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સહયોગથી સરસાણાના સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘એન્વાયર્નમેન્ટ કોન્કલેવ’ યોજાઈ હતી.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વિશ્વકક્ષાએ સુરતને નામના અપાવનાર ‘એમિશન ટ્રેડિંગ સ્કીમ પ્રોજેક્ટ’ સુરતની આગવી ઓળખ છે. સુરતમાં હાલ ૧૧ સીઈટીપી(કોમન એફલયુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) અને ૧૧ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. નવા સાત સીઈટીપી અને નવા ૮ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રગતિમાં છે. સુરતમાં હાલ ૧૧૫ એમએલડી સુએઝનો પુન:વપરાશ ઉદ્યોગોમાં થઇ રહ્યો છે, જ્યારે વધુ ૪૦૦ એમએલડી જેટલા સુએઝનો વપરાશ હજીરા, પલસાણા અને કડોદરા વિસ્તારના ઉદ્યોગોમાં થાય તે અંગે વાટાઘાટો ચાલી રહી છે. જર્મની, જાપાન જેવા ઘણા વિકસિત દેશો આજે પર્યાવરણ અંગે સુરત પ્રશાસન અને ઉદ્યોગો સાથે હાથ મિલાવવા તૈયાર હોવાનું તેમણે કહ્યું હતું.

મંત્રીશ્રી બેરાએ કહ્યું કે, આજના સમયમાં વિકાસની જરૂર છે, પણ વિનાશના ભોગે નહીં. પૈસો મહત્વનો છે, પણ પર્યાવરણના ભોગે નહીં. રાજ્ય સરકાર તકલાદી વિકાસને નહીં, ટકાઉ વિકાસને પ્રાધાન્ય આપે છે. ગુજરાતના દરેક કોમન એફલયુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ગંદા પાણીને ટ્રીટમેન્ટ બાદ દૂર દરિયામાં નિકાલ કરી શકાય એવો ડ્રીમ પ્રોજેક્ટ સરકારે હાથમાં લીધો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

રાજ્યના ઉદ્યોગગૃહોને પર્યાવરણ જાળવણી માટે પ્રદૂષણ અટકાવી રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી થવા અનુરોધ કરતા શ્રી બેરાએ ઉદ્યોગગૃહોની યોગ્ય તથા વાજબી રજૂઆતો માટે રાજ્ય સરકારના દ્વાર ખુલ્લા છે એમ જણાવી હવા પ્રદુષણને નાથવા ટ્રાફિક પોલિસી, બાંધકામ જેવા ઉદ્યોગોમાં ઉદ્દભવતા પ્રદુષણને નાથવાના રાજ્ય સરકારના પ્રયાસોની તેમણે વિગતો આપી હતી.

મંત્રીશ્રીએ ગુજરાતમાં યોજાનાર ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની પરિકલ્પનાને સાકાર કરતા, ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિના અદભૂત સમન્વયને ઉજાગર કરતા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમમ’ કાર્યક્રમમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને આમંત્રણ આપ્યું હતું.

મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશમાં પર્યાવરણ જાળવવાની દિશામાં અનેક નવતર પહેલો થઈ છે. વડાપ્રધાનશ્રીએ ગ્લાસગો ખાતેની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે વર્ષ ૨૦૭૦ સુધીમાં ભારતને નેટ ઝીરો કાર્બન એમિશન દેશ બનાવવો છે. આ સંકલ્પને સાકાર કરવા ૨૦૩૦ સુધીમાં નોન ફોસિલ એનર્જી કેપેસિટી ૫૦૦ ગીગાવોટ સુધી લઈ જવાની અને કુલ ઉર્જા જરૂરિયાતના ૫૦ ટકા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાની વડાપ્રધાનની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત પણ વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડવામા સંપૂર્ણ યોગદાન આપવા સજ્જ છે અને રાજ્યના ઉદ્યોગો અને જાગૃત્ત નાગરિકોના સહયોગથી ગુજરાત પર્યાવરણ સંરક્ષણ સાથે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહ્યું છે એમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ઉદ્યોગો પાણીનો વિવેકપૂર્ણ અને કરકસરપૂર્ણ ઉપયોગ કરવા સાથે એફ્લ્યુએન્ટ ઝીરો ડિસ્ચાર્જ, વેસ્ટ વોટર રિસાયકલિંગ પર મહત્તમ ધ્યાન આપવું પડશે.

પર્યાવરણ જાળવણી પર પૂરતું ફોકસ આપી શકાય એ માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કલાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો હતો જે તેમની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વની સાબિતી પૂરી પાડે છે એમ પણ શ્રી પટેલે જણાવ્યું હતું. સૌને જળ, જમીન, હવા શુદ્ધ રાખી પર્યાવરણ જાળવવાના સામૂહિક સંકલ્પ લેવાનું આહવાન કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, આ પૃથ્વી પર માનવી સહિત જીવન જીવવના દરેક પ્રાણી, પક્ષી, જીવજંતુઓના અધિકારને સુરક્ષિત રાખીને પૃથ્વીને શક્ય તેટલું ઓછું નુકસાન થાય તેવું સામાજિક જવાબદારીપૂર્ણ વર્તન કરીએ.

ચેમ્બરના પ્રમુખશ્રી હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં રાસાયણિક દવાઓ, કેમિકલના મહાકાય કારખાનાઓ કે ઉદ્યોગો સ્થપાયેલા છે, ત્યારે પર્યાવરણની જાળવણીની સાથે સાથે ઉદ્યોગોના વિકાસ માટે લેવામાં આવનાર પગલાઓની ગહન ચર્ચાનો અમારો પ્રયાસ છે. સરકાર અને ઉદ્યોગો સાથે મળીને આ દિશામાં આગળ વધે તે જરૂરી છે.

ચેમ્બરના પ્રેસિડેન્ટ ઈલેકટશ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકાર સંતુલિત વિકાસની દિશામાં આગળ વધી રહી છે તે સરાહનીય છે. લોકોનું જીવનધોરણ સુધારવું, રાસાયણિક કચરાનું વ્યવસ્થાપન અને કુદરતી સંસાધનોના સુવ્યવસ્થિત ઉપયોગ એ સરકાર અને ઉદ્યોગોના સમાન લક્ષ્ય છે. ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણની સમસ્યાઓને દૂર કરીને વિકાસના માર્ગે આગળ વધવા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને પ્રયાસો કરી રહ્યા છે.

આ વેળાએ મંત્રીઓના હસ્તે પર્યાવરણ સંરક્ષણ અને CSRમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર ઉદ્યોગગૃહોને સી.ઈ.આર. એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી ડી.એમ. ઠાકર, કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રિજીયોનલ ડિરેકટર પ્રસૂન ગાર્ગવા, આઈઆઈટી નવી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે, એન્વાયરમેન્ટ એજ્યુકેશન સેન્ટરના ફાઉન્ડર અને ડિરેકટર કાર્તિકેય સારાભાઈ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના પૂર્વ ટેકનિકલ એક્ષ્પર્ટ અજય દેશપાંડે, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિ.ના એક્ઝિ. ડિરેકટર સંતોષ મુંધડા, GPCBના પ્રાદેશિક અધિકારી જિજ્ઞા ઓઝા, ચેમ્બરના કુન્હાલ શાહ, માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર,  નિષ્ણાત વક્તાઓ, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement