અદાણી ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ ભારતના ઉત્થાન માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન
મુંદ્રા તાલુકાના તમામ લોકોને ‘આયુષ્યમાન’ હેઠળ આવરી લેવાશે
અમદાવાદ : ગ્રામીણ ભારતના ઉત્થાન તેમજ મહિલા સશક્તિકરણ માટે અદાણી ફાઉન્ડેશન સતત કાર્યશીલ છે. ઈલાજ, આરોગ્ય અને આજીવિકા મેળવવામાં મહિલાઓની ભાગીદારી વધે તે હેતુથી મુંદ્રા તાલુકામાં બહુહેતુક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મુંદ્રા તાલુકાના તમામ લોકોને મળે તેમજ મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું. કચ્છ જિલ્લા કલેક્ટરે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો જેમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભૂજપુર ગામે આયુષ્યમાન ભારત યોજનાથી લોકોને જોડવા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સરકારી યોજનામાં કાર્ડધારકને રૂપિયા ૫ લાખ સુધીનો ઈલાજ મફત આપવામાં આવે છે. ફાઉન્ડેશનના સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહ જણાવે છે કે “છેવાડાનો એકપણ પરિવાર ઈલાજથી વંચિત ન રહે તે માટે માર્ચ-2024 સુધીમાં સમગ્ર તાલુકાને 1૦૦% આવરી લેવાશે. સરકારી સંસ્થાઓ સાથે ફાઉન્ડેશનની ટીમ અને સખી મંડળોની મદદથી લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે.
અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવીએ આ કાર્યક્રમમનું 100 ટકા પરિણામ મળી રહે તે માટે માર્ચ- ૨૦૨૪ સુધીમાં મુન્દ્રાના તમામ ગામોમાં ડોર-ટુ-ડોર ઝુંબેશ શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે.
પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિધાલય – મુંદરા દ્વારા વ્યસનમુક્તિ નાટકથી વ્યસનના કારણે થતાં નુકશાન અને બરબાદીનો સરસ સંદેશ આપવામાં આવેલ. વ્યસનમુક્તિ માટેના ઉપાયો પણ બતાવવામાં આવેલ. આ પ્રસંગે બ્રહ્માકુમારી આ. સુશીલાદીદીએ પ્રેરક ઉદબોધન આપી સ્વસ્થ અને સુખી સમાજ માટે વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી.
આ સાથે જ અદાણી ફાઉન્ડેશને મહિલાઓ માટે તાલુકા કક્ષાનો ‘મહિલા સશક્તિકરણ માટે મહિલા રોજગાર’ કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં આરોગ્ય, સ્વચ્છતા અને રોજગારી અંગે માર્ગદર્શન સહયોગ આપવામાં આવે છે. તદુપરાંત મહિલાઓને લગતી વિવિધ યોજનાઓ અને આજીવિકા વર્ધન માટે સપોર્ટ હેઠળ પોષણ, સ્વચ્છતાના મુદ્દાઓ અને ઉપાયો વિશે માહિતી આપવામાં આવે છે. જેનાથી જીવનની પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવા મહિલાઓ સક્ષમ બને છે.
જિલ્લા કલેક્ટર અમીત અરોરાએ જણાવ્યું હતું કે આજે આ ગામમાં આવતા જ ગૌચર સુધારણાની કામગીરી માટે પણ શુભારંભ કરવામાં આવ્યો. આવતી ૨૦૨૬ સુધીમાં કચ્છમાં બહારથી ઘાસચારો મંગાવવો ન પડે તે રીતે આયોજન થઈ રહ્યું છે. કારણ કે કચ્છમાં માનવ વસ્તી કરતા પશુઓની વસ્તી વધારે છે. બહેનોના જુથ દ્વારા ગૌચર અને ઘાસચારાનું વ્યવસ્થાપન થાય જેથી ગામનો પૈસો ગામમાં જ રહે. વ્યસનમાં ઘણો પૈસો વેડફાય છે, જેમાથી મુક્તિ મેળવવી જરૂરી છે. આજના નાટકમાંથી સરસ સંદેશ આપવામાં આવ્યો. બાળકને વ્યસન માટેનો આરંભ પરિવારમાંથી જ થાય છે તેથી સાવધાન રહેવા અપીલ કરી હતી. આ ઉપરાંત વૃક્ષો વાવો,ઉછેરો,જાળવણી કરો જેથી પર્યાવરણ સુધરશે. પ્રાકૃતિક ખેતી દ્વારા લોકોની સુખાકારી વધે તેવા પ્રયત્નો પણ સરકાર, સમાજ અને ફાઉન્ડેશન સાથે મળીને કામ કરે. આરોગ્ય અંગે લોકજાગૃતિ તેમજ રાષ્ટ્રીય આજીવિકા મિશન સાથે ગ્રામીણ મહિલાઓને જોડવા જેવા અદાણી ફાઉન્ડેશનના કાર્યો પ્રેરણાદાયી અને ધન્યવાદને પાત્ર છે. મહિલા સશક્તિકરણ આજના સમયની માંગ છે“. તેમણે સરકરી વિભાગોને પણ લોકભાગીદારીથી થતા કાર્યોમાં કોઈ ત્રુટી ન રહે તેવી અપીલ કરી હતી.
મોટી ભુજપુર જુથ ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની માલીકીની જમીનમાં તૈયાર કરેલ ઘઉં જે ગામનાં તમામ સમાજોમાંથી ૧૫૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને પરિવાર દીઠ ૨૦ કી.ગ્રા. ઘઉની કીટ આપવામાં આવશે,જેના પ્રતિકરૂપે સ્ટેજ પરથી બે પરિવારોને માન. કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે આપવામાં આવેલ. જુથ ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ દ્વારા કલેક્ટરસાહેબ, જિલ્લા વિકાસ અધિકારી તથા પંક્તિબેન શાહનું વિશેષ સન્માન કરવામાં આવેલ. ઉપ સરપંચશ્રી માણેકભાઈ ગઢવીએ ગામ વતી આવકાર અને પંચાયત દ્વારા થયેલા વિકાસના કામો, પરિણામો વિષે વિગતે વાત કરવામાં આવી. આયુષ્યમાન ભારત કાર્ડ બે લાભાર્થીને પ્રતિકરૂપે આપવામાં આવેલ.
મલ્ટીસ્પેશ્યાલિટી હેલ્થ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમે ભૂજપુરની આસપાસના ૫૫૦ થી વધુ લોકોનું નિદાન કર્યુ હતું.તેમાથી ૨૨૭ લોકોને જરૂરી દવાઓ અને સારવાર માટે ભલામણ તથા માર્ગદર્શન આપવામાં આવેલ. જેમાં સ્ત્રી રોગ, બાળરોગ, દાંત, આંખ, જનરલ તપાસ બાદ દવાઓ પણ આપવામાં આવી હતી.
કચ્છના જિલ્લા વિકાસ અધિકારીએ અદાણી ફાઉન્ડેશન દ્વારા “આયુષ્યમાન ભારત કાર્ડ“ માટે કરાતી કામગીરીને બિરદાવતા સરકારની તમામ યોજના ગ્રામ સ્તરે મહત્તમ લોકોને તેનો લાભ મળે તે માટે માર્ગદર્શન અને મદદ મળી રહેવાની ખાત્રી આપી હતી.
રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વેગવાન બનાવવા ગોલ્ડન કાર્ડની નોંધણી માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે. સૌને આ યોજનાની હાથવગી થાય તે માટે ‘આવાજ દે’ નામની એપથી નોટીફિકેશન મોકલવામાં આવશે. જેના દ્વારા મોબાઈલમાં જ લોકો માહિતી મેળવી શકશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અદાણી ફાઉન્ડેશનની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ભુજપુર તથા આસપાસના ગામોમાંથી બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં. ગ્રામ પંચાયત સરપંચશ્રી લક્ષ્મીબેન નિંજાર, ઉપ સરપંચ માણેકભાઈ ગઢવી, રતનભાઈ જસાણી, મેઘરાજભાઈ ગઢવી, જિલ્લા પંચાયત કચ્છના પૂર્વ શિક્ષણ સમિતિ અધ્યક્ષા શ્રીમતિ છાયાબેન ગઢવી, ભીમજીભાઈ નિંજાર,જૈન સમાજના અગ્રણી પ્રકાશભાઈ સાવલા, ગોપાલભાઈ ગઢવી, મધુકાન્તભાઈ છેડા, સુલ્તાનજી જાડેજા, હાઈસ્કૂલના આચાર્યશ્રી વાઘેલાસાહેબ તથા તેમની હાઈસ્કૂલની સમગ્ર શિક્ષક ટીમ વગેરે હાજર રહેલ. મેઘધનુષ સહેલી તથા જ્યોત સહેલી ગ્રૂપ દ્વારા તેમના હસ્તકલાના સ્ટોલ રાખવામા આવેલ. એ.જે.એસ. હાઇસ્કૂલના પ્રાંગણમાં ઔષધિય ઉધાનમાં કલેક્ટરશ્રી તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ.
કાર્યક્રમનુ સંચાલન કરશનભાઈ ગઢવી અને દેવલબેન ગઢવી દ્વારા જ્યારે આભારવિધિ પારસભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ.