SGCCI માં યોજાયેલા સેમિનારમાં સુરતના ઉદ્યોગ સાહસિકોને ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ નીતિ અંગે સમજ આપવામાં આવી હતી

ગુજરાતની ઇલેટ્રોનિક્સ પોલિસી અને આઈટી પોલિસીમાં જરૂરી સુધારા કરાવવા માટે સૂચનો તેમજ પ્રશ્નો મોકલવા માટે ચેમ્બર દ્વારા ઉદ્યોગકારોને અનુરોધ કરાયો

Advertisement

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિકસ મિશન, ઇન્ડિયા ઇલેક્ટ્રોનિકસ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે મંગળવાર, તા. ૧૮ એપ્રિલ, ૨૦૨૩ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે “ગુજરાત ઇલેક્ટ્રોનિકસ પોલિસી અને દક્ષિણ ગુજરાતમાં ઇલેક્ટ્રોનિકસ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરીંગમાં રહેલી તકો” વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિકસ મિશનના મેનેજીંગ ડિરેક્ટર વિદેહ ખરે, ઇન્ડિયા ઇલેક્ટ્રોનિકસ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશનના ગુજરાત ચેપ્ટરના ચેરમેન તેમજ ઇન્ફોચિપ્સના કો-ફાઉન્ડર સુધીર નાયક, ઇન્ડિયા ઇલેક્ટ્રોનિકસ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશનના આઈસી મેમ્બર તેમજ ડી-મેટ્રિક્સના કન્ટ્રી હેડ એન્ડ વાઇસ પ્રેસિડેન્ટ ડો. પ્રદિપ ઠાકર તથા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સિનિયર ફેકલ્ટી ડો. આનંદ દરજીએ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ ઇલેક્ટ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, એક અંદાજ પ્રમાણે ભારતમાં ESDM સેક્ટરની માર્કેટ સાઈઝ ૯.૪૮ બિલિયન યુએસ ડોલર જેટલું છે. સરકાર દ્વારા તેનો લક્ષ્યાંક વર્ષ ૨૦૨૫ માં ૩૦૦ બિલિયન યુએસ ડોલર સુધી પહોંચાડવાનો છે. હાલમાં, ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સેન્ટર છે. જો કે, હાલ વિશ્વમાં ચાઈના સેમી કન્ડકટર પ્રોડક્શનમાં ૨૪ % નો હિસ્સો ધરાવે છે. તાઈવાનનો ૨૧ % અને સાઉથ કોરિયાનો ૧૯ % નો હિસ્સો છે. ભારતનો ભાગ આમાં ૩ % જેટલો છે. વિશ્વમાં હાલમાં દરેક વસ્તુ સ્માર્ટ બનવા માંડી છે. સ્માર્ટ મોબાઈલ, સ્માર્ટ ટી.વી., સ્માર્ટ કાર, સ્માર્ટ હોમ વિગેરે વસ્તુઓ સેમીકન્ડકટર પર કામ કરતી હોય છે ત્યારે ભારતે સેમીકન્ડકટર ક્ષેત્રે આત્મનિર્ભર થવાની જરૂર છે.

વિદેહ ખરે (IAS)એ જણાવ્યું હતું કે, સુરત એ ઇન્ડસ્ટ્રીયલ ઇલેકટ્રોનિક્સ માટે જાણીતું છે. પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ એસેમ્બલ ક્ષેત્ર ઘણી રોજગારી આપે છે. ઓટો ઇલેકટ્રોનિક્સ, આઇટી હાર્ડવેર, કન્ઝ્યુમર ઇલેકટ્રોનિક્સ, એલઈડી લાઇટિંગ અને ટેલિકોમમાં નાની નાની વસ્તુઓ હાથથી બનાવવી પડે છે. આથી તેમણે ઉદ્યોગકારોને ગુજરાતમાં જુદા જુદા ઔદ્યોગિક વિસ્તારોમાં આ ક્ષેત્રે રોકાણ કરવા તેમજ ગુજરાતની ઇલેટ્રોનિક્સ પોલિસી ૨૦૨૨-૨૮ અને આઇટી/આઈટીઝ પોલિસી ૨૦૨૨-૨૭ નો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેઓના કોઈ પ્રશ્નો તથા સૂચનો હશે તો ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી મોકલી આપવા જણાવ્યું હતું.

સુધીર નાયકે ઇલેક્ટ્રોનિકસ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરીંગમાં રહેલી તકો વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વમાં કુલ સંખ્યાના ૬૯ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. વિશ્વમાં ઓટોમોટીવ સેમીકન્ડક્ટર ક્ષેત્રે વર્ષ ૨૦૨૧ માં ૪૧.૮૪ બિલિયન યુએસ ડોલર અને વર્ષ ૨૦૨૨ માં ૪૭.૪૦ બિલિયન યુએસ ડોલરનું રોકાણ થયું હતું.  જ્યારે વર્ષ ૨૦૨૬ માં ૭૨.૭૫ બિલિયન યુએસ ડોલરનું રોકાણ થવાનો અંદાજ છે.

ડો. પ્રદિપ ઠાકરે ઇન્ડિયા ઇલેક્ટ્રોનિકસ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ તથા સેમિકન્ડક્ટર કનેક્ટ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે ડો. આનંદ દરજીએ ઇલેક્ટ્રોનિકસ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરીંગની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કેપેસિટી બિલ્ડિંગ અંગે ઉદ્યોગકારોને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ સ્કિલ્ડ કર્મચારીઓ મળી રહે તે માટે ઇન્ડસ્ટ્રી અને એકેડેમીયાએ સંકલન સાધવું પડશે.

ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે સર્વેનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે ઉદ્યોગ સાહસિકોને અઠવાડિયામાં તેઓના સૂચનો તથા પ્રશ્નો ચેમ્બરને મોકલી આપવા માટે અનુરોધ કર્યો હતો. જેથી કરીને ચેમ્બર તેનો અભ્યાસ કરીને સંબંધિત વિભાગ તથા મંત્રાલયને રજૂઆત કરી શકે. આ કાર્યક્રમમાં ચેમ્બરના માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા અને આઇટી એન્ડ કોમ્યુનિકેશન કમિટીના એડવાઈઝર હરેશ કલકત્તાવાલા હાજર રહ્યા હતા.

ચેમ્બરની આઇટી એન્ડ કોમ્યુનિકેશન કમિટીના ચેરમેન ગણપત ધામેલિયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે કો – ચેરમેન પુનિત ગજેરાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સ્કેટ કોલેજ- સુરતના ડીન એકેડેમિક્સ ડો. નિતિન પટેલે પેનલ ડિસ્કશનનું સંચાલન કર્યું હતું. નિષ્ણાતોએ સંબોધન બાદ પેનલ ડિસ્કશનમાં ઉદ્યોગ સાહસિકોને મુંઝવતા વિવિધ પ્રશ્નોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેમ્બરની આઇટી એન્ડ કોમ્યુનિકેશન કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Advertisement