સુરત શહેર પોલીસ હેડક્વાટર્સ ખાતે પાયાની તાલીમ લઈ રહેલા ૨૩૩ લોકરક્ષક તાલીમાર્થીઓ

રાજ્ય સરકારે સંપૂર્ણ પારદર્શક રીતે લોકરક્ષક ભરતી પૂર્ણ કરી અમારા જેવા હજારો યુવાનોના સપના સાકાર કર્યા

Advertisement

સુરત: સુરત પોલીસ હેડક્વાર્ટરમાં તાલીમ લઈ રહેલા ૨૫ વર્ષીય રાજ બાલકૃષ્ણ શર્મા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. જીવનમાં સંઘર્ષ અને પડકારોને તેમણે અવસરોમાં બદલ્યા. અમદાવાદના વતની રાજના પિતા ટેમ્પો ચલાવીને પરિવારનું પોષણ કરે છે, ટૂંકી આવકમાં શિક્ષણ મેળવવામાં મુશ્કેલી અને આર્થિક વિટંબણાઓને ઓળંગીને ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનીયરીંગ પૂર્ણ કર્યું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી અને સખ્ત મહેનતથી રાજ શર્મા લોકરક્ષકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. રાજ જણાવે છે કે, મેં ક્યારેય ટ્યુશન ક્લાસનો સહારો લીધો ન હતો. સેલ્ફ સ્ટડી અને યુટ્યુબના માધ્યમથી પોલીસ ભરતીની તૈયારીઓ કરી હતી. રાજ્ય સરકારે પારદર્શક રીતે લોકરક્ષક ભરતી પૂર્ણ કરી અમારા જેવા હજારો યુવાનોના સપના સાકાર કર્યા છે.

રાજ સ્વ-અનુભવ અને સંઘર્ષથી સફળતાના સૂત્રો આપતા કહે છે કે, શિસ્ત અને સખત મહેનત કરવાનો અભિગમ, કયારેય હાર નહીં માનવાની મનોવૃત્તિ, તમામ વસ્તુ-વ્યક્તિ-ઘટનાને વિશિષ્ટ દ્રષ્ટિકોણથી જોવાની ક્ષમતા, વિશાળ વાંચન દ્વારા મળેલ વિશિષ્ટ તર્કશક્તિ,  અદમ્ય સાહસવૃત્તિ જેવા ગુણો કેળવીશું તો પોલીસ અધિકારી અવશ્ય બની શકાય છે.

ભરતી કેલેન્ડરની પહેલથી અમારા જેવા લાખો યુવાનોને આયોજનબદ્ધ તૈયારી કરવાનો સમય મળી જાય છે: કુલદિપસિંહ રાઠોડ

સુરત પોલીસ હેડ કવાર્ટર ખાતે તાલીમ મેળવી રહેલા ૨૪ વર્ષીય કુલદિપસિંહ પ્રવિણભાઈ રાઠોડ કહે છે કે, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ૨૦૨૧-૨૨ના વર્ષમાં લેવાયેલી પરીક્ષામાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ઉત્તીર્ણ થયો છું. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામના વતની કુલદિપસિંહ કહે છે કે, ભરતી સમયે પગમાં ચીપ સાથે કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમ, સી.સી.ટી.વી. કેમેરાની નિગરાનીમાં દોડ કરાવવામાં આવી હતી. જેના કારણે અમારા જેવા છેવાડાના ગામના યુવાનો પણ સેલ્ફ સ્ટડી કરીને ભરતી થઈ શક્યા છીએ. રાજ્ય સરકાર સૌપ્રથમ તો ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કરતી હોવાથી અમારા જેવા લાખો યુવાનોને અગાઉથી આયોજનબદ્ધ  તૈયારી કરવાનો સમય મળી જાય છે. અમારી ભરતી સમયે ૧૧ લાખ યુવાનોના ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૧૦ હજારથી વધુ યુવાનોની પોલીસમાં ભરતી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

મારા સમાજની મહિલાઓ મારો વર્દી સાથેનો ફોટો જોઈને ગર્વ અનુભવે છે, જેનાથી મારી પ્રતિષ્ઠા અને માનસન્માનમાં વધારો થયો: પારૂલબહેન મકવાણા

મહિલાઓ સશક્ત, આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. પોલીસ ભરતીમાં પણ મહિલા પ્રતિનિધિત્વ વધે તે માટે ૩૩ ટકા અનામત આપીને મહિલાઓને પ્રોત્સાહન પુરૂ પાડયું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કલાણા ગામની વતની ૨૫ વર્ષીય પારૂલબહેન ભીમાભાઈ મકવાણા કહે છે કે, ૨૦૧૮-૧૯માં પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ભરતી પાસ કરીને હાલ સુરત પોલીસ હેડકવાર્ટરમાં તાલીમ મેળવી રહી છું. જ્યારે હું ધો.૫માં અભ્યાસ કરતી હતી,ત્યારે મારા પિતાનું દુ:ખદ અવસાન થયું હતું. મારી માતાએ મારૂ અને નાના ભાઈનું પાલન-પોષણ કરીને મોટા કર્યા છે. નાનપણથી પોલીસ બનવાનું સ્વપ્ન હતું. મારા એક મહિલા સંબંધી પોલીસમાં હોવાથી તેમણે પોલીસ ભરતી માટે વિશેષ માર્ગદર્શન અને પ્રેરણા આપી. રાજ્ય સરકાર મહિલાઓના કલ્યાણ માટે સંવેદનશીલતા સાથે કાર્ય કરી રહી છે. કારણ કે, ૩૩ ટકા પોલીસ ભરતીમાં અનામત હોવાથી અમને ખૂબ લાભ થયો છે. આજે મારા સમાજની મહિલાઓ મારો વર્દી સાથેનો ફોટો જોઈને ગર્વ અનુભવે છે, જેનાથી મારી પ્રતિષ્ઠા અને માનસન્માનમાં વધારો થયો છે. અન્ય દિકરીઓ પણ પડકારો ઝીલીને પોલીસની કારકિર્દી બનાવી રાજ્યની સેવા-સુરક્ષા માટે આગળ આવે એવો તેમણે કર્યો હતો.

‘અમે લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બનશું અને રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારી ઈમાનદારી, લગન, રાષ્ટ્રસેવા-માનવસેવાના સંકલ્પ સાથે નિભાવીશું’ એવી ભાવના સૌ તાલીમાર્થીઓએ એકસૂરે વ્યક્ત કરી.

Advertisement