ચેમ્બર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ તેમજ તબીબોને સન્માનશે  

ચેમ્બર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ તેમજ તબીબોને સન્માનશે

 

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપક્રમે રવિવાર, તા. ૪ જુલાઈ, ર૦ર૧ના રોજ ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ ડે નિમિત્તે’ સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્‌ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટીનમ હોલમાં દક્ષિણ ગુજરાતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ તથા તબીબોને સન્માનિત કરવાનો વિશિષ્ટ કાર્યક્રમ કોવિડ– ૧૯ની માર્ગદર્શિકાના પાલન સાથે યોજાશે. સવારે ૧૧:૦૦થી બપોરે ૧:૦૦ કલાક દરમ્યાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સનું સન્માન કરવામાં આવશે. જ્યારે બપોરે રઃ૦૦થી સાંજે ૪:૦૦ કલાક દરમ્યાન તબીબોને સન્માનિત કરાશે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સર્વિસ ક્ષેત્ર, પ્રાઈવેટ પ્રેકટીસ ક્ષેત્ર, ગવર્નમેન્ટ, સેમી ગવર્નમેન્ટ, ચેરીટેબલ ટ્રસ્ટ, રિટાયર્ડ, સ્પોટ્‌ર્સ, વેપાર કે તે સિવાયના ફિલ્ડ સાથે સંકળાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સને ચેમ્બરના આ વિશિષ્ટ કાર્યક્રમમાં સન્માનના અધિકારી ગણવામાં આવશે. ચેમ્બર દ્વારા સર્વિસ ક્ષેત્ર, પ્રાઈવેટ પ્રેકટીસ, સામાજિક કાર્ય, સામાજિક  જીવન, સ્પોટ્‌ર્સ, અનોખી સિધ્ધિ આમ વિવિધ કેટેગરીઓમાં આ સન્માન એનાયત કરવામાં આવશે.

આ ઉપરાંત નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી દર્દીઓની સેવા કરનારા તબીબોનું પણ ચેમ્બર દ્વારા સન્માન કરવામાં આવશે. પ્રાઈવેટ, ગવર્નમેન્ટ, સેમી ગવર્નમેન્ટ, ચેરીટેબલ ટ્રસ્ટ અને તે સિવાયના ફિલ્ડ સાથે સંકળાયેલા તબીબોને આ સન્માનના અધિકારી ગણવામાં આવશે. પર્સનલ ક્લીનિક, સ્પેશ્યાલીટી હોસ્પિટલ, નર્સિંગ હોમ, મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ આમ વિવિધ કેટેગરીઓમાં આ સન્માન એનાયત કરવામાં આવશે. મેડીકલ એજ્યુકેશન ક્ષેત્રમાં તેમનું પ્રદાન, સમાજ સેવા ક્ષેત્રે તેમણે કરેલું પ્રદાન, સમગ્ર કારકિર્દી દરમ્યાન તેમણે મેળવેલા એવોડ્‌ર્સ અને એપ્રિસીએશન તેમજ ટ્રેઈનીંગ ક્ષેત્રે તેમણે કરેલું પ્રદાન પણ ધ્યાનમાં લેવામાં આવશે.